વચનામૃત ગઢડા મધ્યનું - ૪૨
સંવત ૧૮૮૦ના માગશર વદિ ૧૨ દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ન પૂછ્યો જે, (૧) હે મહારાજ ! ભગવાનના એક એક રોમને વિષે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે કેઈ રીતે રહ્યાં છે ? અને બ્રહ્માંડમાં કિયે કિયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે ? પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે : એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમનારાયણ છે તેને તો સગુણે ન કહેવાય ને નિર્ગુણે ન કહેવાય, ને સગુણ-નિર્ગુણ ભેદ તો અક્ષરને વિષે છે, તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે, અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશે મોટું છે, તે અક્ષરના એક એક રોમને વિષે અણુની પેઠે અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે; તે કાંઈ એ બ્રહ્માંડ અક્ષરને વિષે નાનાં થઈ જાતાં નથી; એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય પણ અક્ષરની અતિશે મોટપ છે, તે આગળ બ્રહ્માંડ અતિશે નાનાં દેખાય છે, જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશે નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશે નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાં ને આવડાં હોય પણ અક્ષરની અતિશે મોટપ છે તેની આગળ અતિ નાનાં દેખાય છે માટે અણુ સરખાં કહેવાય છે. (૧) અને અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગે કરીને દશે દિશું કળાય છે તેમ અક્ષરધામ છે અને તે અક્ષરને ઉપર ને હેઠે ને ચારે પડખે સર્વ દિશુંમાં બ્રહ્માંડની કોટિઓ છે અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિષે સદાય વિરાજમાન રહે છે ને તે સત્ય સંકલ્પ છે ને અક્ષરધામને વિષે રહ્યા થકા જ જે જે બ્રહ્માંડમાં જે જે રૂપ પ્રકાશ્યાં જોઈએ તેવાં તેવાં રૂપને પ્રકાશ કરે છે. જેમ એ શ્રીકૃષ્ણ ભગવાને રાસક્રીડા કરી ત્યારે પોતે એક હતા, તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા, તેમ જ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશ્યું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં આ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. (૨) ઇતિ વચનામૃતમ્ ।।૪૨।। (૧૭૫)
રહસ્યાર્થ પ્રદી- આમાં પ્રશ્ન (૧) છે. તેમાં શ્રીજીમહારાજે કહ્યું છે જે મૂળઅક્ષરકોટિ આદિકને વિષે વ્યાપકપણું તે અમારા તેજરૂપ અક્ષરધામનું નિર્ગુણપણું છે, અને એ અક્ષરકોટિ આદિકને ધારવાપણું તે અક્ષરધામનું સગુણપણું છે. (૧) અને સૂર્યને ઠેકાણે અમારી મૂર્તિ છે, અને સૂર્યના તેજના ગોળાને ઠેકાણે અમારા તેજરૂપ અક્ષરધામ છે, અને એ અક્ષરધામને અડખે-પડખે, હેઠે-ઉપર સર્વે દિશુંમાં બ્રહ્માંડની કોટિઓ રહી છે, અને એ અક્ષરધામને વિષે અમે સદાય રહ્યા થકા જ્યાં જેવું રૂપ દેખાડ્યું જોઈએ ત્યાં તેવા રૂપને દેખાડીએ છીએ અને જ્યાં અમારી મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, એટલે અમારા તેજરૂપ અક્ષરધામને મધ્યે અમે રહ્યા છીએ એમ કહ્યું છે. (૨) બાબતો છે.
૧ પ્ર. શ્રીજીમહારાજને ભગવદાનંદ સ્વામીએ તમારા એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ કેવી રીતે રહ્યા છે ? ને કિયે કિયે ઠેકાણે તમે પ્રગટ થાઓ છો ? એમ પૂછ્યું છે, પણ તમે સગુણ છો કે નિર્ગુણ છો એવો પ્રશ્ન પૂછ્યો નથી તોપણ શ્રીજીમહારાજે અમને સગુણ કે નિર્ગુણ ન કહેવાય એમ કહ્યું તેનું શું કારણ હશે ?
૧ ઉ. (પ્ર. ૭૨ના ૧/૪ પહેલા પ્રશ્નમાં) અમારા એક એક રોમના છિદ્રમાં અનંતકોટિ બ્રહ્માંડ પરમાણુની પેઠે રહ્યાં છે, એમ શ્રીજીમહારાજે કહ્યું છે તે ઉપર ભગવદાનંદ સ્વામીએ પૂછ્યું જે હે મહારાજ ! તમારા એક એક રોમમાં અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે તે બ્રહ્માંડથી તો તમારાં રોમ મોટાં થયાં, અને તમારાં રોમથી તમારી મૂર્તિ મોટી થઈ, માટે તમે જ્યારે બ્રહ્માંડમાં પધારો ત્યારે તમારી મૂર્તિ બ્રહ્માંડમાં શી રીતે માય, એવા અભિપ્રાયથી પૂછ્યું છે. તે ઉપર શ્રીજીમહારાજે કહ્યું છે જે અમારા પ્રકાશરૂપી અક્ષરધામ છે તે અક્ષરધામની કિરણોને અમારાં રોમ જાણવાં, તે રોમ સગુણ એટલે અતિશે મોટાં ને સર્વાધાર છે અને નિર્ગુણ એટલે સર્વત્ર વ્યાપક ને સૂક્ષ્મ તથા બીજાને સૂક્ષ્મપણાને પમાડે તેવાં છે અને અમારી મૂર્તિ તો સદાય મનુષ્યના જેવડી છે અને એ જે અમારા તેજરૂપ અક્ષરધામની કિરણોમાં અસંખ્ય બ્રહ્માંડ રહ્યાં છે, તે બ્રહ્માંડમાં અમે મનુષ્ય રૂપે દર્શન આપીએ છીએ એમ કહ્યું છે.
૨ પ્ર. પહેલી બાબતમાં અક્ષરધામને વિષે અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ રહ્યાં છે એમ કહ્યું તે બ્રહ્માંડો તો મૂળપુરુષના તેજમાં રહ્યાં છે અને તેથી પર તો વાસુદેવબ્રહ્મ છે ને તેથી પર મૂળઅક્ષર છે. ને તેથી પર શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામ છે, તે ધામનો સંબંધ અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડને કેવી રીતે હશે ?
૨ ઉ. અષ્ટાવરણે યુક્ત બ્રહ્માંડ તો મૂળપુરુષના તેજમાં જ રહ્યાં છે, પણ મૂળપુરુષ, બ્રહ્મ તથા મૂળઅક્ષરાદિક સર્વે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામને આધારે છે, માટે સર્વાધાર હોય તેને જ આધારે રહ્યાં છે એમ કહેવાય, અને મૂળપુરુષની દૃષ્ટિએ પ્રધાનપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય, અને વાસુદેવબ્રહ્મની દૃષ્ટિએ મૂળપુરુષરૂપી બ્રહ્માંડ કહેવાય ને મૂળઅક્ષરની દૃષ્ટિએ વાસુદેવબ્રહ્મરૂપી બ્રહ્માંડ કહેવાય ને શ્રીજીમહારાજની દૃષ્ટિએ મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ કહેવાય, માટે શ્રીજીમહારાજના તેજરૂપ અક્ષરધામની કિરણોમાં મૂળઅક્ષરરૂપી બ્રહ્માંડ રહ્યાં છે એમ જાણવું.
૩ પ્ર. બીજી બાબતમાં અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ હોય તેમ છે એમ કહ્યું તે કેમ સમજવું ?
૩ ઉ. સૂર્યને ઠેકાણે શ્રીજીમહારાજ છે, અને સૂર્યના મંડળ એટલે તેજના ગોળાને ઠેકાણે અક્ષરધામ છે એમ જાણવું.
૪ પ્ર. સૂર્ય માથે આવે ત્યારે દશે દિશું કળાય છે એમ કહ્યું તે માથે કેવી રીતે સમજવું ?
૪ ઉ. જ્યારે સૂર્ય માથે આવે ત્યારે સર્વ દિશાઓ કળાય છે એટલે સરખી દેખાઈ આવે છે, અને તે દિશાઓમાં રહેલાં સર્વ સ્થાનકો સૂર્યના ફરતાં દેખાય છે તેમ શ્રીજીમહારાજના તદાકારપણાને પામે ત્યારે તેને શ્રીજીમહારાજની મૂર્તિ ધામને મધ્યે દેખાય છે, અને તે મૂર્તિને યોગે કરીને અક્ષરધામના ફરતી સર્વ દિશામાં મૂળઅક્ષરાદિકની તથા બ્રહ્મની તથા મૂળપુરુષાદિકની કોટિઓ તથા સર્વ બ્રહ્માંડ તે કળાય છે એટલે દેખાઈ આવે છે.
૫ પ્ર. શ્રીજીમહારાજ સદાય અક્ષરધામમાં રહ્યા થકા જ જ્યાં જેવું રૂપ પ્રકાશવું જોઈએ ત્યાં તેવા રૂપને પ્રકાશે છે એમ કહ્યું તે જે રૂપ અનંત ઠેકાણે દેખાડે છે, તે રૂપમાં ને અક્ષરધામમાં જે મૂર્તિ છે તેમાં કાંઈ ફેર હશે કે કેમ ?
૫ ઉ. શ્રીજીમહારાજ પોતે અક્ષરધામમાં રહ્યા થકા જ પોતાની ઇચ્છાએ કરીને અનંત ઠેકાણે અનંત રૂપે દર્શન આપે છે, તોપણ એની એ મૂર્તિ છે માટે એક મૂર્તિ જ સર્વ ઠેકાણે દેખાય છે. અને એ મૂર્તિ જ્યાં દર્શન આપે ત્યાં અક્ષરધામનું મધ્ય સમજવું, કેમ જે મૂર્તિ અક્ષરધામમાં છે તે જ મૂર્તિ સર્વ ઠેકાણે દર્શન આપે છે, માટે પોતાનું તેજરૂપ ધામ તે એ મૂર્તિ ભેળું જ હોય પણ જુદું ન હોય, માટે જ્યાં શ્રીજીમહારાજ દર્શન આપે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે એમ જાણવું. ।।૪૨।।